યાકોબ4

ઇશ્વરને આધીન થાવ

1તમારાંમાં લડાઈ અને ઝગડા શાથી થાય છે? શું તમારાં દેહમાં સંઘર્ષ કરતી દુર્વાસનાઓને કારણે નહિ?2તમે ઇચ્છા રાખો છો પણ મળતું નથી, તેથી તમે હત્યા કરો છો. તમે લોભ કરો છો, પરંતુ તમને જે જોઈએ તે મેળવી શકતા નથી. તેથી તમે લડાઈ ઝઘડા કરો છો. તમને મળતું નથી કારણ કે તમે ઈશ્વર પાસે માંગતા નથી.3તમે માંગો છો છતાં તમને મળતું નથી, કારણ કે તમારો ઇરાદો ખોટો હોય છે, એટલે કે તમે મોજશોખ કરવા માટે માંગો છો.
4ઓ તમે વ્યભિચારી લોકો! શું તમે નથી જાણતા કે જગતની મિત્રતા ઈશ્વર પ્રત્યે વેર છે? માટે જે કોઇ જગતનો મિત્ર થવા માંગે છે, તે ઇશ્વરનો વૈરી થાય છે.5જે પવિત્ર આત્માને ઈશ્વરે આપણામાં વસાવ્યો છે તે આપણને પોતાનો કરી લેવાની ઇચ્છા રાખે છે. એ શાસ્ત્રવચન જે કહે છે તે ફોકટ છે, એમ તમે ધારો છો?6પણ આપણને તેઓ વધારે કૃપા આપે છે. માટે શાસ્ત્રમાં લખેલું છે કે:“ઈશ્વર ગર્વિષ્ઠની વિરુદ્ધ છેપણ તે નમ્ર પર કૃપા રાખે છે.”
7તેથી તમે ઈશ્વરને આધીન થાઓ, શેતાનની સામાં થાઓ, એટલે તે તમારાંથી દૂર નાસી જશે.8ઈશ્વરની પાસે આવો અને તે તમારી પાસે આવશે. ઓ પાપીઓ, તમારાં હાથ શુ્ધ્ધ કરો, અને ઓ બે મનવાળા, તમે તમારાંં હૃદયોને શુધ્ધ કરો.9દુઃખી થાઓ, શોક કરો અને રડો. હાસ્યને બદલે શોક અને આનંદને બદલે ખેદ કરો.10પ્રભુની આગળ નમ્ર થાવ અને તે તમને ઉચ્ચ સ્થાને મૂકશે.
11ભાઈઓ અને બહેનો, એકબીજાની નિંદા ન કરો. જે પોતાના ભાઇનું ભૂંડુ બોલે છે, અથવા પોતાના ભાઈને દોષિત ઠરાવે છે, તે નિયમને દોષિત ઠરાવે છે, ને નિયમનો ન્યાય કરે છે, તો તું નિયમનો પાડનાર નથી, પણ તેનો ન્યાય કરનાર છે.12નિયમ આપનાર અને ન્યાય કરનાર એક જ છે, કે જે આપણને બચાવી શકે છે, ને નાશ કરી શકે છે, પણ તું કોણ કે પોતાના પાડોશીનો ન્યાય કરે?

કાલ વિશે બડાઈ

13હવે સાંભળો, તમે કહો છો, “આજે કે આવતીકાલે અમે અમુક શહેરમાં જઈશું, ત્યાં એક વર્ષ સુધી ધંધો કરીને પૈસા કમાણી કરીશું.”14તોપણ કાલે શું થવાનું છે એ તમે જાણતા નથી. તમારી જિંદગી શેનાં જેવી છે? તમે સવારનાં ધુમ્મસ જેવા છો. તે થોડીવાર દેખાય અને પછી અદ્રશ્ય થઈ જાય છે.15પણ ઊલટું, તમારે એમ કહેવું જોઈએ, “જો પ્રભુની ઈચ્છા હશે તો અમે જીવતાં રહીશું અને આ અથવા પેલું કાર્ય કરીશું.”16આ રીતે તમે બડાઈ મારો છો અને એવી બડાઈ ખોટી છે.17માટે જો કોઈ ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તો તેને પાપ લાગે છે.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d