1 થેસ્સાલોનિકી5

પ્રભુનો દિવસ

1હવે ભાઈઓ અને બહેનો, સમયો તથા પ્રસંગો વિશે મારે તમને લખવાની જરૂર નથી.2કારણ કે તમે સારી રીતે જાણો છો કે જેમ રાત્રે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે.3જયારે લોકો કહેતાં હશે કે, “શાંતિ અને સલામતી!” ત્યારે અચાનક શરૂ થતી પ્રસૂતિની વેદનાની માફક તેઓના પર વિનાશ આવી પડશે. અને તેઓ બચી નહિ જશે.
4પણ ભાઈઓ અને બહેનો, તમે અંધારામાં નથી, કે તે દિવસ ચોરની માફક તમારાં પર આવી પડે.5કારણ કે તમે સર્વ પ્રકાશનાં અને દિવસનાં સંતાનો છો. તમે અંધકારના કે રાત્રિનાં નથી.6માટે આપણે બીજાઓની જેમ ઊંઘીએ નહિ પણ જાગૃત અને સાવધ રહીએ.7કેમકે ઊંઘનારા રાત્રે ઊંઘે છે ને દારૂડિયા રાત્રે દારૂ પીએ છે.8પરંતુ આપણે તો દિવસનાં છીએ, માટે સાવધ રહો, વિશ્વાસ અને પ્રેમનું બખ્તર તથા તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.9કેમકે ઈશ્વરે આપણને કોપને માટે નહિ, પણ આપણા પ્રભુ ઈસુ મસીહ મારફતે આપણું તારણ થાય એ માટે પસંદ કર્યા છે.10આપણે જાગતાં હોઈએ કે ઊંઘતા હોઈએ પણ આપણે તેમની સાથે જીવીએ તે માટે તેઓ મરણ પામ્યા.11તેથી તમે હમણાં કરો છો તેમજ એકબીજાને ઉત્તેજન આપવાનું અને વૃધ્ધિ પામવાનું ચાલુ રાખો.

અંતિમ સુચનો

12હવે અમે તમને કહીએ છીએ કે, પ્રિય ભાઈઓ અને બહેનો, જેઓ તમારાંમાં પરિશ્રમ કરે છે, પ્રભુમાં તમારી સંભાળ લે છે, અને તમને ઉપદેશ આપે છે તેઓની કદર કરો.13તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેઓને અતીઘણું માન આપો, તમે માંહોમાંહે શાંતિમાં રહો.14અને ભાઈઓ અને બહેનો, જેઓ આળસુ, અને તોફાનીઓને ચેતવણી આપો, બીકણોને હિંમત આપો, નિર્બળોને મદદ કરો અને દરેક ની સાથે ધીરજથી વર્તો.15સાવધ રહો કે તમે ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો. પરંતુ હંમેશાં એકબીજાનું અને સર્વનું ભલું કરવા કોશિશ કરો.
16સદા આનંદ કરો,17નિત્ય પ્રાર્થના કરો,18દરેક સંજોગોમાં ઈશ્વરનો આભાર માનો, કેમકે તમારા વિષે મસીહ ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી છે.
19આત્માને ન હોલવો;20પ્રબોધને તુચ્છ ન ગણો.21દરેક ની પારખ કરો; જે સારું છે તે ગ્રહણ કરો.22તમામ દુષ્ટતાઓથી દૂર રહો.
23હવે શાંતિદાતા ઈશ્વર પોતે તમને સંપૂર્ણ શુધ્ધ અને પવિત્ર બનાવો. વળી તમારાં આત્મા, પ્રાણ અને શરીરને આપણા પ્રભુ ઈસુ મસીહના આગમન સુધી નિર્દોષ રાખો.24જે તમને તેડું આપે છે તે વિશ્વાસયોગ્ય છે, તે એમ કરશે.
25ભાઈઓ અને બહેનો, અમારે માટે પ્રાર્થના કરજો.
26પ્રભુના સર્વ લોકોને પવિત્ર ચુંબનથી સલામ કહેજો.
27પ્રભુને નામે હું તમને આગ્રહથી કહું છું કે આ પત્ર સર્વ ભાઈઓ અને બહેનોને વાંચી સંભળાવજો.
28આપણા પ્રભુ ઈસુ મસીહની કૃપા તમ સર્વની સાથે હો.

Biblica, Inc.

https://app.library.bible/content/3f8bb02b7da6818d